છેતરપિંડીની ફરિયાદ:હૈદરાબાદના શખસની કાલુપુરના વેપારી સાથે 11.24 લાખની ઠગાઈ, રૂપિયા નહિ મળે થાય તે કરી લો તેવી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

શહેરના કાલુપુર અને અસલાલીમાં ઠગાઈના બનાવો સામે આવ્યા છે, જેમાં હૈદરાબાદના વેપારીએ કાલુપુરના વેપારી પાસેથી માલ મંગાવ્યા બાદ તેના રૂપિયા ન ચુકવી ઠગાઈ આચરી હતી. જ્યારે બીજા બનાવમાં અસલાલીમાં એક ગઠીયાએ સોશિયલ મીડિયા પર મોબાઈલ વેચવાની જાહેરાત મુકીને ટુકડે ટુકડે ડિલીવરીના નામે વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ બંન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

11.24 લાખ વેપારીને ન ચૂકવીને ઠગાઇ આચરી
શીલજમાં રહેતા હિરાનંદ બચાની કાલુપુરમાં જુદી-જુદી ફર્મથી ગારમેન્ટ કપડાની દુકાન ધરાવી ધંધો કરે છે. જે અલગ અલગ શહેરમાં અને રાજ્યોના વેપારીને માલ આપે છે. તેનું પેમેન્ટ 45થી 60 દિવસમાં વેપારીને ચૂકવવાનું હોય છે. ગત વર્ષ 2020માં હૈદરાબાદના વેપારી રાકેશ શર્માએ તેમની પાસે ઓર્ડર નોંધાવી પહેલા શરૂઆતમાં પેમેન્ટ ચૂકવીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. તે બાદ વર્ષ 2020થી 2021 સુધી હૈદરાબાદના વેપારીએ કુલ 13.47 લાખનો કપડાનો માલસામાન મંગાવીને તેમાંથી 2.23 લાખ ચૂકવ્યા હતા અને બાકીના નિકળતા 11.24 લાખ વેપારીને ન ચૂકવીને ઠગાઇ આચરી હતી. જ્યારે વેપારીએ વારંવાર ઉઘરાણી કરવા છતા પણ શખસે રૂપિયા નહિ મળે થાય તે કરી લો તેવી ધમકી પણ આપી હતી. કંટાળીને હિરાનંદભાઇએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રાકેશ શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોબાઇલ ફોન વેચવાના બહાને 48 હજાર પડાવ્યા
બોપલમાં રહેતા ધ્રુવીકભાઇ દેવાણી અસલાલીમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર સ્માર્ટ શોપી નામના પેજ પર જાહેરાત જોયા બાદ એક મોબાઇલ ખરીદવાનું નક્કી કર્યું હતુ. જે બાદ થોડા દિવસે અજાણ્યા શખસે ફોન કરી કહ્યું કે, તમારે ક્રેડિટકાર્ડનો ચાર્જ ભરવો પડશે તે બાદ મોબાઇલની ડિલવરી મળશે. ત્યારબાદ ગઠિયાએ મોબાઇલ ડિલિવરીના નામે ટુકડે ટુકડે કરીને 48 હજાર પડાવ્યા બાદ ફોનની ડિલિવરી ન આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે યુવકે અસલાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *